દોસ્તો વધારે પ્રમાણમાં ચોકલેટ, મીઠાઈ, કેક, પેસ્ટ્રી જેવી વસ્તુઓનું સેવન કરવાથી નાની ઉંમરમાં દાંતમાં સડો થવા લાગે છે. એકવાર દાંતમાં સડો થઈ જાય તો તેના કારણે સતત દુખાવો રહે છે.
દાંતમાં રહેતો દુખાવો તકલીફ કરાવે છે અને સાથે જ મોંમાંથી દુર્ગંધ, પેઢામાં સોજો પણ રહે છે. આ દુખાવો અસહ્ય હોય છે. જો તેનો ઈલાજ કરવામાં ન આવે તો દાંત તુટવા લાગે છે અને દાંત વચ્ચે ખાડા પણ પડી જાય છે.
દાંતની તકલીફ થવાનું મુખ્ય કારણ યોગ્ય રીતે બ્રશ ન કરવું, મોંની સ્વચ્છતાનો અભાવ હોય છે. આ સિવાય મોંમાં સડો થવા લાગે તો શ્વાસની દુર્ગંધ પણ સતાવે છે. આ બધી જ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે દવા ખાવાને બદલે ઘરગથ્થુ ઉપાયો કરવા જરૂરી છે.
આ ઉપાયો એકદમ સરળ છે અને તુરંત જ અસર કરે તેવા છે. દાંતનો દુખાવો હોય ત્યારે દાંતની વચ્ચે લવિંગ રાખવા જોઈએ. આમ કરવાથી તુરંત રાહત મળે છે. લવિંગમાં એનેસ્થેટિક, એનલગેસિક તત્વ હોય છે જે દુખાવાને દુર કરે છે.
દાંતમાં સખત દુખાવો હોય ત્યારે દિવસમાં 2થી 3 વખત લવિંગ રાખવું જોઈએ. લવિંગ મોમાં હોય ત્યાં સુધી કંઈ ખાવું કે પીવું જોઈએ નહીં. આ સિવાય દાંતના દુખાવાથી તુરંત રાહત માટે હુંફાળા પાણીમાં મીઠું ઉમેરી તેનાથી કોગળા કરવા જોઈએ.
આ પાણીને થોડીવાર મોંમાં રાખી પછી કોગળા કરી કાઢી નાંખવું. આમ કરવાથી પણ દુખાવાથી રાહત મળે છે. લસણની બે-બે કળીને દિવસમાં 2 વખત છોલીને ખાવાથી દાંતનો દુખાવો દુર થાય છે.
લસણની જેમ ડુંગળી પણ ઉપયોગી છે. દાંતના દુખાવામાં ડુંગળી ખાવાથી તુરંત રાહત થાય છે. જો કાચી ડુંગળી ખાઈ શકાય તેમ ન હોય તો તેનો રસ કાઢીને દુખાવો હોય તે દાંત પર ટીપા મુકવા જોઈએ.
જામફળના કુમળા પાન તોડી અને તેને દુખતા દાંત પર ચાવીને રાખવાથી થોડી જ વારમાં દુખાવો દુર થાય છે. આવું દિવસમાં ત્રણ-ચાર વાર કરવાથી રાહત મળે છે. તમે ઈચ્છો તો આ પાનને એક કપ પાણીમાં ઉકાળી તેનાથી કોગળા પણ કરી શકો છો.
પીપરમીન્ટ પણ દુખાવો દુર કરે છે. તેના માટે પીપરમીન્ટ ઓઈલના ટીપા દુખતાં દાંત પર મુકવા જોઈએ. તમે કોગળા કરવાના પાણીમાં પણ આ ઓઈલ ઉમેરી તેનો ઉપયોગ કરી શકો છો.
હીંગમાં ઘણા આયુર્વેદિક ગુણનો સમાવેશ થાય છે. હીંગ એન્ટી ઈંફ્લામેટ્રી, એંટીસેપ્ટિક ગુણ હોય છે. જે દાંતના દુખાવાથી રાહત આપે છે. પરંતુ તે ઓછા પ્રમાણમાં લેવું જોઈએ.
તમાલપત્ર એક કુદરતી દર્દ નિવારક છે. જે દુખાવામાંથી રાહત આપે છે. તેમાં ઘણા ઔષધીય ગુણ છે જે દાંતના સડાને રોકે છે. આ ઉપરાંત મોંમાં પડતા ચાંદાને પણ મટાડે છે. તમાલપત્રમાં મીઠું ઉમેરી તેને પીસી લેવું આ મિશ્રણને એક ગ્લાસ પાણીમાં ઉમેરી તેનાથી કોગળા કરો.
વેનિલામાં આલ્કોહોલની માત્રા ઓછી હોય છે તે પણ દુખાવો દુર કરે છે. તેના માટે વેનિલાના 2-4 ટીપાં રુમાં બોળી દુખતા દાંત પર લગાવો. 15 મિનિટમાં દુખાવો દુર થઈ જશે.
બ્રશના બદલે દાંતમાં સડો કે દુખાવો હોય ત્યારે લીમડા અથવા બાવળના દાંતણનો ઉપયોગ કરવો. તેનાથી દાંતની કસરત પણ થાય છે. આ સિવાય જમ્યા પછી કોગળા અચૂક કરવા. રોજ રાતે સુતી વખતે ઈરિમેદાદી તેલથી દાંત પર માલિસ કરવી.
ઘઉંને એક કુંડામાં ઉગાડો. તે આંગળી જેટલા ઊગી જાય એટલે તેને કાપી પીસી લો. આ રસને દાંતમાં લગાવવાથી દુખાવો દુર થાય છે. આ રસ લગાવ્યા પછી હુંફાળા પાણીથી કોગળા કરી મોં સાફ કરવું.