અજમા એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં થતો જ હોય છે. પ્રાચીન સમયથી અજમાનો ઉપયોગ કેટલીક બીમારીઓમાં દવા તરીકે પણ થાય છે. જે વસ્તુઓ ખાવાથી વાયુ થાય છે જેમકે વાલ, ગુવાર વગેરેના વઘારમાં અજમાનો ઉપયોગ થાય છે જેથી તે પચવામાં ભારે ન પડે.
અજમાને રુચી ઉત્પન્ન કરનાર, ગરમ, વાયુ દુર કરનાર, અપચો અને પેટના કૃમિ મટાડનાર પણ કહેવાય છે. તેનો ઉપયોગ કરવાથી પેટના દુખાવા અને શૂળ મટે છે. આ સિવાય અજમાથી કયા કયા લાભ થાય છે ચાલો તે પણ જાણીએ,
અજમાનું સેવન કરવાથી મરડો, શરદી અને ઝાડા મટે છે. તેના પાન સ્વાદમાં તીખા, કડવા હોય છે જે ભોજનની રુચિ ઉત્પન્ન કરનાર અને પિત્ત દુર કરનાર તેમજ વાયુ અને કફને મટાડનાર છે. ભગંદર, નાડીવર્ણ જેવા ઘાને અજમાના પાણીથી સાફ કરવાથી આરામ મળે છે.
અજમાની જેમ તેના ફૂલ પણ લાભકારી છે. તેનું સેવન કરવાથી આંતરડામાં થતા કૃમિ અટકે છે. પ્રસૂતા સ્ત્રીને અજમો ખવડાવવાથી તેની પાચનક્રિયા સુધરે છે. જો વારંવાર તાવ આવતો હોય તો અજમાનું સેવન કરવું જોઈએ. આ સિવાય અજમાનું સેવન કરવાથી ધાવણ વધારે આવે છે.
અજમાની ફાકી લેવાથી શરદી અને ઉધરસ મટે છે. આ સિવાય જો તાવના કારણે ઠંડી ચડી હોય તો અજમો ખાવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો વળી જાય છે જેના કારણે તાવ મટે છે. અજમાને વાટીને તેમાં ડુંગળીનો રસ ઉમેરી શરીરે લગાડવાથી શરીરમાં ચેતના આવે છે.
પીપર, અરડૂસી અને ખસખસના ડોડાને ઉકાળી તેમાં અજમા ઉમેરી પીવાથી કફ અને ઉધરસ મટે છે. અજાના ફુલને એક રતીની માત્રામાં દિવસમાં 3 વખત ઘી અને મધ ઉમેરીને લેવાથી કફ મટે છે અને ઉધરસ પણ દૂર થાય છે.
જો શ્વાસની સમસ્યા હોય તો અજમાનો અર્ક આપવાથી લાભ થાય છે. અજમાને ફાકી તેની ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો, અજીર્ણ, નળબંધવાયુ મટે છે.
અજમાને તવા પર ધીમા તાપે શેકી અને તેમાં સિંધવ ઉમેરી અને ગરમ પાણી સાથે લેવાથી વાયુ દુર થાય છે. જો શીળસ નીકળતું હોય તો અજમો અને ગોળ ખાવાથી શીળસ મટે છે. અજમાને વાટી તેની પોટલી બનાવી તેને સુંઘવાથી નાક ખુલે છે.
કોલેરા થયો હોય તો અજમાના પાનને ધોઈ તેનો રસ કાઢી અને દર કલાકે આપવાથી કોલેરા મટે છે. જમ્યા પછી પેટમાં ગુડગુડાટ થતી હોય અને ઓડકાર આવતા હોય તો અડધી ચમચી અજમાને હુંફાળા પાણી સાથે જમ્યા પછી ફાકી જવો. જમ્યા પછી 15 મિનિટ પછી આમ કરવાથી 2-3 દિવસમાં અસર દેખાવા લાગશે.