વાળ ચહેરાની સુંદરતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ચહેરાની સુંદરતા પર ચાર ચાંદ લાગી જાય જો વાળ લાંબા, ઘાટ્ટા અને કાળા હોય. પરંતુ આજના સમયમાં દરેક સ્ત્રીની સામાન્ય ફરિયાદ થઈ ગઈ છે. પાતળા અને ખરતા વાળ.
ખરતા અને પાતળા વાળની સમસ્યા આજના સમયમાં દરેક સ્ત્રીને હોય છે. વાળ નિસ્તેજ, પાતળા થઈ જાય તેની પાછળ પોષણયુક્ત આહારનો અભાવ, પ્રદૂષણ જવાબદાર હોય છે. આ સિવાય કેમિકલ યુક્ત વસ્તુઓ દ્વારા થતી ટ્રીટમેન્ટ પણ વાળને ખરાબ કરે છે.
વાળ સંબંધિત આ સમસ્યાને દુર કરવા માટે લોકો દવા પણ લેતા હોય છે પરંતુ તેનાથી પણ ધાર્યુ પરિણામ મળતું નથી. તેથી આજે તમને કેટલાક ખાસ ઉપાયો જણાવીએ. આ ઉપાયો કરવાથી ખરતા વાળની તકલીફ કાયમ માટે દૂર થઈ જશે અને તમારા વાળનો ગ્રોથ ઝડપથી થશે જેની તમે કલ્પના પણ કરી નહીં હોય.
ઈંડાનો સફેદ ભાગ વાળ માટે વરદાન છે. તેના માટે ઈંડાના સફેદ ભાગને અલગ કરી તેને વાળ પર લગાવી શાવર કેપ પહેરી લો. વાળને આ રીતે 30 મિનિટ રહેવા દો અને પછી નવશેકા ગરમ પાણીથી વાળ સાફ કરી લો. ત્યારબાદ માઈલ્ડ શેમ્પુથી વાળ ધોવાનું રાખો.
એવોકાડો પણ વાળ માટે ઉત્તમ ટોનિક છે. તેનાથી વાળનો ગ્રોથ કુદરતી રીતે અને ઝડપથી વધે છે. તેના માટે પાકેલા એવોકાડોની પેસ્ટ કરી તેમાં ગુલાબજળ ઉમેરી વાળના મૂળમાં લગાવો. આ પેસ્ટને માથા પર એક કલાક રહેવા દો અને પછી હુંફાળા પાણીથી તેને સાફ કરો. આ ઉપાય સપ્તાહમાં એકવાર કરવો. તમને 30 જ દિવસમાં વાળનો ગ્રોથ વધતો જણાશે.
વાળનો ગ્રોથ વધારવા માટે એરંડાનું તેલ પણ બેસ્ટ વિકલ્પ છે. તેના માટે નાળિયેરના તેલમાં એરંડાનું તેલ મિક્સ કરી માથામાં તેનાથી માલિશ કરો. ત્યારબાદ 30 મિનિટ પછી વાળ ધોઈ લેવા. દર 2 સપ્તાહમાં આ ઉપાય કરો.
સુકી મેથી પણ વાળને સોફ્ટ અને શાઈની બનાવે છે. તેમાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે અને તે હેરને બુસ્ટ કરે છે. તેના માટે રાત્રે મેથીને પાણીમાં પલાળી દો અને સવારે તેની પેસ્ટ કરી વાળમાં લગાવો. એક કલાક પછી વાળને હુંફાળા પાણીથી સાફ કરી લો.
ડુંગળી પણ વાળ માટે ઉત્તમ ગણાય છે. તેના માટે ડુંગળીનો રસ કાઢીને માથામાં લગાવવાથી કે સ્કાલ્પ પર સ્પ્રે કરવાથી વાળનો ગ્રોથ કુદરતી રીતે વધે છે.
આ સિવાય વાળની ગુણવત્તા સુધારવા માટે શક્ય હોય ત્યાં સુધી સારા હેર પ્રોડક્ટ અને કેમિકલ મુક્ત વસ્તુઓ વાપરવી. આ સાથે જ સ્ટાઈલિંગ માટે પણ વાળને ડેમેજ કરે તેવી વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
વાળને ખરતા અટકાવવા માટે સપ્તાહમાં 2 વખત તેને ધોવાનું રાખો અને સમયાંતરે તેને ટ્રીમ પણ કરાવતા રહો. આ ઉપરાંત હેલ્ધી વસ્તુઓનું સેવન કરવાનું પણ રાખવું જેથી વાળને કુદરતી રીતે અંદરથી પોષણ મળતું રહે.