ઉનાળાની ઋતુ કાળઝાળ ગરમીના કારણે કોઈને પસંદ નથી. પરંતુ આ ઋતુ દરમિયાન એક ફળ આવે છે જેના કારણે આ ઋતુની લોકો રાહ જોતા હોય છે. આ ફળ છે કેરી. કેરી ખાવા માટે લોકો આખું વર્ષ ઉનાળાની રાહ જોવે છે. અલગ અલગ પ્રકારની કેરી ખાવાના માટે આખું વર્ષ લોકો આતુર હોય છે.
કેરી ખાવાથી શરીરને ઉનાળામાં અનેક લાભ પણ થાય છે. કેરી એન્ટીઓક્સિડેન્ટ, ફાઇબર, મિનરલ, વિટામિન્સથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી શરીરને ઘણા લાભ થાય છે. પરંતુ સાથે જ કેરી ખાવાથી નુકસાન પણ થઈ શકે છે.
આ વાત કદાચ તમે જાણતા નહીં હોય. જો કેરી ખાધા પછી તમે કેટલીક વસ્તુઓનું સેવન કરો છો તો કેરીને કારણે શરીરને આડઅસર થાય છે. તો ચાલો જણાવીએ એવી કઈ કઈ વસ્તુઓ છે કે જેનું સેવન કેરી ખાધી હોય તો ન કરવું જોઈએ.
1. સૌથી પહેલી વસ્તુ છે પાણી. કેરી ખાધા પછી પાણી પીવું ગંભીર પરિણામ આપી શકે છે. કેરી ખાધા પછી પાણી પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે જેમ કે પેટમાં દુખાવો, અપચો, એસિડિટી વગેરે. તેથી કેરી ખાધા પછી 30 મિનિટ પછી જ પાણી પીવું જોઈએ.
2. કેરી ખાધી હોય તો દહીં પણ ખાવું ન જોઈએ. કેરીની સાથે કે કેરી ખાધા પછી દહીં ખાવાથી ત્વચા પર ખરાબ અસર થઈ શકે છે. કેરી ની તાસીર ગરમ હોય છે અને દહીં ઠંડુ હોય છે આ બંનેનું મિશ્રણ સાથે કરવાથી સ્વાસ્થ્ય પર આડઅસર થાય છે.
3. જે લોકોને ડાયાબિટીસ છે તેમને આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. જો તમે કેરી ખાતા હોય તો તેની સાથે કોલ્ડ ડ્રીંક ક્યારેય ન લેવું. કારણ કે આ બન્ને વસ્તુ માં સુગરનું પ્રમાણ વધારે હોય છે જે તમારી તબિયત ને બગાડી શકે છે.
4. સામાન્ય રીતે ઘરમાં કેરી ખવાતી હોય છે તેમાં શાકમાં કારેલા નો સમાવેશ કરવામાં આવે છે. પરંતુ કારેલા અને કેરી સાથે ખાવાથી એસીડીટી વધવા લાગે છે. તેથી કેરી ભોજનમાં ખાવાની હોય તો કારેલાંનો ઉપયોગ ન કરવો. તેનાથી ઉલટી-ઉબકા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
5. ઘણા એવું માને છે કે કેરી ખાવાથી ખીલ થાય છે. પરંતુ જો તમે ઇચ્છતા હોય કે કેરી ખાધા પછી પણ તમારા ચહેરા પર ખીલ ન થાય તો કેરી ખાવ ત્યારે મસાલેદાર ભોજન ન કરવું. કેરી અને મસાલેદાર ભોજન બંને સાથે કરશો તો પેટમાં ગરમી વધી જશે અને તેના કારણે ત્વચા પર ખીલ દેખાઈ શકે છે.